
મગફળી નું લેટીન નામ એરેચીસ હાઈપોજીયા છે. તેનું કુળ લેગ્યુમેનેશી છે. કૃષિ પાકોમાં તેલીબીયા પાકોનું આગવું સ્થાન છે. વિશ્વમાં અન્ય દેશોની સરખામણીમાં ભારત મગફળીના વિસ્તાર (૪૨ ટકા) અને કુલ ઉત્પાદન (૩૬ ટકા) માં પ્રથમ સ્થાને છે. દેશમાં સૌ પ્રથમ મગફળીનું વાવેતર તામિલનાડુ રાજયમાં શરૂ થયું હતું. ભારતમાં મગફળી થતી હોય તેવા પ્રદેશનો ૭૮ ટકા વિસ્તાર ગુજરાત, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આવે છે. જેમાંથી ૮૭ ટકા ઉત્પાદન મળે છે.
દેશમાં મગફળીના કુલ ઉત્પાદન માં ૩૦ ટકા જેટલો ફાળો ગુજરાત નો રહ્યો છે. ગુજરાતના કુલ ઉત્પાદનમાં સૌરાષ્ટ્રના પાંચ જીલ્લાઓ (જુનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલી અને ભાવનગર) નું યોગદાન ૮૬ ટકા જેટલું રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદ, બનાસકાઠા, વડોદરા, ભરૂચ, વલસાડ, ડાંગ, કચ્છ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત અને સુરેન્દ્રનગર જીલ્લાઓમાં પણ મગફળીનું વાવેતર ઘીરે ધીરે વધી રહ્યું છે.
મગફળીના પાકને મધ્યમ કાળી, ગોરાડુ, બેસર અને રેતાળ જમીન વધુ માફક આવે છે.
ટ્રેક્ટરથી કે હળથી ઉંડી ખેડ કરી અગાઉના પાકના જડિયા, મૂળીયા વીણી બે વખત કરબથી આડી-ઉભી ખેડ કરી સમાર મારી જમીન પોચી, ભરભરી અને સમતળ બનાવવી.
હેકટર દીઠ જરૂરી છોડની સંખ્યા (૩ થી ૩.૫ લાખ) જાળવવા માટે હેક્ટરે ૧૦૦થી ૧૨૦ કિ.ગ્રા. મગફળીના બિયારણનો ઉપયોગ કરવો.
પાક ના ઉત્પાદન માં વધારો કરનાર પરિબળો માં બીજા નંબરે પિયત છે જેનો ફાળો ૨૭ ટકા જેટલો છે . ઉનાળુ મગફળી માં પિયત નો આધાર જમીનના પ્રકાર, વિસ્તાર અને હવામાન ઉપર રહેલ છે. ઉનાળુ મગફળીમાં વિસ્તાર મુજબ ૭ થી ૧૫ પિયત આપવાની જરૂરિયાત રહે છે. પ્રથમ પિયત વાવણી બાદ તુરંત આપવું અને બીજું પિચત ૧૦ દિવસે આપવું. જયારે બાકીના પિયત ૧૨ થી ૧૫ દિવસના અંતરે આપવા. પાકની કટોકટીની અવસ્થા જેવી કે ફૂલ આવવા, સુયા જમીનમાં ઉતરવા, ડોડવા બેસવા અને ડોડવામાં દાણાના વિકાસ સમયે ભેજની ખેંચ ન પડે તેની ખાસ કાળજી રાખવી.
શંકર બાજરી ,તુવેર , શંકર કપાસ ,તલ, શાકભાજી તરીકે ધાણા મેથી લઇ શકાય .
Ref . ડો . કે .એ .શાહ (નવસારી કૃષિ યુનિવર્સીટી)
Khetidekho is proudly powered by WordPress