Khetidekho

ખેડૂત ઉપયોગી પક્ષી-કાળો કોશી

કાળો કોશી કેમ ખેડૂત ઉપયોગી પક્ષી છે???

કાળોકોશી મધ્યમ કદનું પક્ષી છે કે જેને લાક્ષણિક રૂપથી ચળકતા કાળા રંગનું દેખાતું હોય છે. ઘણીવાર પાછળ પૂંછડીમાં લાંબી ઉંડી ખાંચ હોય છે અને બેસતી વખતે ઉભડક બેસે છે.


કાળોકોશી મુખ્યત્વે વૃક્ષોના રહેવાસી અને એકલ-દોકલ જોવા મળે છે. તેમનું ઉડયન સીધું, મકકમ, શકિતશાળી અને લહેરાતું હોય છે. કાળોકોશી વહેલી સવારે જ સક્રિય થઇ જાય છે અને અન્ય પક્ષીઓની સરખામણીમાં તે મોડે સુધી સક્રિય રહે છે. આ પક્ષીઓ ઘણા ઘોંઘાટીયા હોય છે અને જાતજાતના અવાજો કાઢે છે. અમુક જાત તો એવી પણ છે કે જે બીજા પક્ષીઓની નકલ કરવામાં હોંશિયાર હોય છે. ઝડપથી, સહેલાઇથી અને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે તે માટે કાળોકોશી મુખ્યત્વે માનવ વસવાટ તેમજ ખેતરોની નજીકમાં રહેતા હોય છે. 


કાળોકોશી કીટાહારી હોય છે. તે ખેતરની આસપાસ આવેલા ઝાડની ડાળી, તાર કે થાંભલાઓ પર બેસતા હોય છે. આ પક્ષીઓ ઉડતા કીટકનો હવામાં જ શિકાર કરી લે છે. અને ઘણીવાર જમીન પર રહેલા કિટકને તરાપ મારી પકડી લેતા હોય છે તે મોટી પાંખોવાળા કીટકો પર ઓચિંતો હવાઇ હુમલો કરીને પકડી તેને ખાય છે. જેમાં પણ ખાસ કરીને તીતીઘોડા, ઉધઇ, ભમરી, કીડી, મકોડાઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.


ખેડૂતો જયારે ખેતર ખેડતા હોય છે ત્યારે આ પક્ષીઓ ખેતરોમાં એકઠા થાય છે અને જમીનમાંથી નીકળતા કિટકોને ખાય છે. આમ આ પક્ષી ખેડૂતનો સહાયક ગણાય છે.