Khetidekho

ખેડૂત ના મિત્ર કીટક દાળિયા (લેડી બર્ડ)

લેડી બર્ડ (દાળિયા) ની ઓળખ

મોલો એ પાક ને નુકશાન કરતી એક અગત્ય ની ચુસીયા પ્રકાર ની જીવાત છે, ખેડુ તેને ગળો ,મોલોમશી વગેરે નામ થી ઓળખે છે.આ જીવાતની વસ્તીને કુદરતી રીતે કાબૂમાં રાખવા માટે કેટલાક પરભક્ષી કીટકો અસ્તિત્વ ઘરાવે છે. તે પૈકી “લેડીબર્ડ બીટલ‘ નામના ઢાલિયાં કીટક મોખરે છે. અંગ્રેજીમાં લેડીબર્ડ બીટલ તરીકે ઓળખાતા આ પરભક્ષી કીટકનો દેખાવ કઠોળની દાળ જેવો હોવાથી ખેડુતો તેને “દાળિયા” તરીકે ઓળખે છે. વધુમાં આ પરભક્ષી કીટકની પ્રથમ જોડ પાંખ ઢાલ જેવી મજબૂત હોવાથી તે ઘણી વખત “ઢાલિયાં’ તરીકે અને તેનો આકાર કાચબા જેવો હોવાથી ગામઠી ભાષામાં તે “કાચબા” તરીકે પણ ઓળખાય છે. દાળિયા તરીકે ઓળખાતા આ પરભક્ષી કીટકનો સમાવેશ ઢાલપક્ષ (કોલીઓપ્ટેરા) શ્રેણીના “કોકસીનેલીડી” કૂળમાં કરવામાં આવે છે. તેની ઘણી જાતિઓ નોંધાયેલ છે. આણંદ ખાતે હાથ ધરેલ એક અભ્યાસ મુજબ મધ્ય ગુજરાત વિસ્તારમાં દાળિયાની એકાદ ડઝન જેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે . જાતિ પ્રમાણે તેની પ્રથમ જોડ પાંખ પીળાશ પડતા ક્રીમ (મલાઈ), વરા, બદામી, લાલાશ પડતી કે તપખીરીયા રંગની હોય છે. તેના પર અમુક ચોક્કસ સંખ્યામાં કાળા ટપકા કે વાંકીચૂંકી લીટીઓ આવેલી હોય છે. પુખ્ત (કીટક) નું માથું કાળા રંગ નું હોય છે. તેના શરીર પર પીળાશ પડતા સફેદ રંગના ધાબા હોય છે. ઈયળો ખૂબ જ સક્રિય હોવાથી છોડ પર ખોરાકની શોધમાં હંમેશા આમથી તેમ ફરતી જોવા મળે છે. તે વક્ષ પર ૩ જોડ મજબૂત પગ ધરાવે છે.

લેડી બર્ડ (દાળિયા) નો ખોરાક

આ પરભક્ષી કીટકના પુખ્ત અને ઈયળ (ગ્રબ) એમ બન્ને અવસ્થા મોલોનું ભક્ષણ કરી તેની વસ્તીનું કુદરતી રીતે નિયમન કરે છે. જો કે તે મોલો ઉપરાંત તડતડીયા, થ્રિપ્સ, સફેદ માખી, ચિકટો (મીલીબગ) અને ભીંગડાવાળી જીવાત (સ્કેલ ઈન્સેક્ટ) નું પણ ભક્ષણ કરે છે પરંતુ મોલો તેનો સૌથી પ્રિય ખોરાક હોવાથી તે “મોલોભક્ષી દાળિયા” તરીકે ઓળખાય છે. આમ તો તે બધા જ પ્રકારની મોલોનું ભક્ષણ કરે છે પરંતુ અમુક જાતિની મોલોને ખાવાનું તે વધુ પસંદ કરે છે. પ્રયોગશાળામાં હાથ ધરેલ એક અભ્યાસ મુજબ કઠોળ પાકોમાં નુકસાન કરતી કાળી મોલો (એફીસ ક્રેસીવોરા) અને કપાસ, ભીંડા તથા રીંગણીમાં નુકસાન કરતી પીળી મોલો (એફીસ ગોસીપી) ખાવા માટે વધુ પસંદ કરે છે. જ્યારે કોબીજ, ફ્લાવર અને રાયડામાં નુકસાન કરતી મોલો પ્રમાણમાં ઓછી પસંદ કરે છે. આમ જે તે મોલોના શરીરમાં રહેલ પોષક તત્વોને ધ્યાનમાં રાખી તેની પસંદગીમાં વધ-ઘટ જોવા મળતી હોય છે. ખાસ કરીને ભક્ષણ કરવા માટે તે નાના કદની મોલો વધુ પસંદ કરે છે.

હવામાન ની લેડી બર્ડ પર અસર

હવામાનના જુદા જીદા પરિબળોની દાળિયા પર થતી અસરોનો અભ્યાસ નિર્દેશ કરે છે કે ઉષ્ણતામાન (તાપમાન) તેની સાથે નકારાત્મક સંબંધ ઘરાવે છે. એટલેકે જેમ જેમ તાપમાન વધતું જાય તેમ તેની વસ્તીનું પ્રમાણ ઘટતું જાય છે. તેજ રીતે હવામાં સાપેક્ષ ભેજ સાથે તે હકારાત્મક સંબંધ ધરાવે છે, મતલબ કે સાપેક્ષ ભેજ વધતા તેની વસ્તી પણ વધે છે. ચોમાસામાં હવામાં સાપેક્ષ ભેજનું પ્રમાણ વધારે હોવાને લીધે ચોમાસુ પાકોમાં દાળિયાની વસ્તી પ્રમાણમાં વધુ જોવા મળે છે.

રાસાયણિક દવાની લેડી બર્ડ પર અસર

આ પરભક્ષી કીટક શરીરે ખડતલ હોવાથી કીટનાશક દવાઓની તેના પર પ્રમાણમાં ઓછી અસર થાય છ. ખેતરમા જયારે નુક્શાનકારક જીવાતોના નિયંત્રણ માટે કીટનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે ત્યારે તેની અસર દાળિયા પર પણ થતી હોય છે. પરંતુ તેની અસર અન્ય પરભક્ષી કીટક ની  સરખામણીમાં દાળિયા પર ઓછી થતી હોય છે. દાળિયા એ મોલો અને બીજી પોચા શરીરવાળી જીવાતોનું અગત્યનું પરભક્ષી કીટક ગણાય છે. મોલોના જૈવિક નિયંત્રણમાં તેની ઘણી જ અગત્યતા રહેલી છે. વૈજ્ઞાનિકોના અથાગ પ્રયત્નો છતાં પ્રયોગશાળામાં મોટા પાયા પર આ પરભક્ષીને ઉછેરવાની અને આર્થિક રીતે પરવડે તેવી તાંત્રિકતા હજુ સુધી વિકસાવી નથી. તેથી મનુષ્ય યોજીત જૈવિક નિયંત્રણ શક્ય બન્યું નથી. પરંતુ કુદરતી રીતે થતા જૈવિક નિયંત્રણમાં તેનો લાભ લઈ શકાય છે. ખેતી પાકોમાં જૈવિક વિવિધતામાં વધારો કરી દાળિયાને ખોરાક મળી રહે તેવા પાકોનું વાવેતર કરવાથી તેની સંખ્યામાં વધારો થાય છે. સંશોધનના પરિણામોને આધારે ખેડુતોને કપાસના કુલ છોડના આશરે ૧૦% છોડ મકાઈના ઉગાડવાની ભલામણ કરવામાં આવેલ છે. કુદરતમાં તેની વસ્તી વધે તેવા પ્રયત્નો કરવા જોઇએ. બિનજરૂરી કીટનાશક દવાઓનો છંટકાવ ન કરતા દાળિયા માટે ઓછી ઝેરી હોય તેવી દવાઓની પસંદગી કરવી જોઈએ. શક્ય હોય ત્યાં વનસ્પતિજન્ય દવાઓનો ઉપયોગ કરવાથી કુદરતની આ મામૂલી ભેટ સમાન દાળિયા” ને બચાવી શકાય છે.

REF . ડો ડી.એમ .કોરાટ , આણંદ એગ્રિકલચર યુનિવર્સિટી