Khetidekho

ગુજરાતની જમીન અને તેના પ્રકાર

 

ઉદભવક્રિયા, રંગ, ફળદ્રુપતા વગેરે બાબતોને ધ્યાનમાં રાખી ગુજરાતની જમીનને નીચેના પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

કાંપ ની જમીન (Alluvial soils)

ગુજરાતના પચાસ ટકા કરતા વધુ વિસ્તારમાં કાંપ ની જમીન આવેલી છે. કાંપ, રેતી અને માટીના પ્રમાણને ધ્યાનમાં રાખી કાંપની જમીનને બે ભાગમાં વહેચવામાં આવે છે.

 

નદીના કાંપની જમીન (River alluvial land)

આ જમીનમાં ગોરાટ, ગોરાડું, ભાઠાની અને બેસર જમીનનો સમાવેશ થાય છે. ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકામાં, ખેડા જીલ્લામાં સાબરમતી અને મહી નદી વચ્ચેના પ્રદેશમાં, વડોદરા જીલ્લાના ડભોઇ અને તેની આસપાસના પ્રદેશમાં તથા સુરત જીલ્લાના કેટલાક વિસ્તારમાં ‘ગોરાટ જમીન’ આવેલી છે. સાબરમતીના પૂરના મેદાની પ્રદેશમાં અને નદીઓના ટાપુના પ્રદેશમાં કાંપના નીક્ષેપણથી રચાયેલી ‘ભાઠાની જમીન’ આવેલી છે. જે ઘઉં, શાકભાજી, સક્કરટેટી અને તડબુચના વાવેતર માટે અનુકુળ છે. ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતની રેતાળ કાંપની જમીન ‘ગોરાડું જમીન’ તરીકે ઓળખાય છે. આ પ્રકારની જમીન વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા જીલ્લામાં આવેલી છે. આ જમીન ઘઉં અને ડાંગરના વાવેતર માટે અનુકુળ છે. મધ્ય ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે. ખેડા જીલ્લાની કાંપની જમીન ‘બેસર જમીન’ તારીખે ઓળખાય છે. તમાકુના પાક માટે આ જમીન ઉતમ ગણાય છે.

કિનારાની અને મુખત્રિકોણ (Delta) પ્રદેશની કાંપની જમીન

કચ્છના કિનારાના વિસ્તારમાં રચાયેલી આ જમીન પર અર્ધસુકી આબોહવાની અસર છે. દક્ષીણ સૌરાષ્ટ્ર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના કિનારાના પ્રદેશમાં આવી જમીનની રચના થઇ છે. આ જમીન પર મીઠાના ક્ષાર અને જિપ્સમ (ચિરોડી) ની પોપડી આવેલી છે. આથી આ જમીન ખેતી માટે બિનઉપયોગી છે.

 

 

કાળી જમીન (Black Ground)

આ જમીન રંગે કાળી છે, પરંતુ તેમાં રહેલા તત્વોને આધારે તેના રંગમાં તફાવત પડે છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, છોટા ઉદેપુર, સાબરકાંઠા અને વડોદરા જીલ્લામાં તથા સૌરાષ્ટ્રમાં મધ્યમ કાળા રંગની જમીન છે. આ જમીનમાં ચૂનાના તત્વો અને નાઈટ્રોજનનું પ્રમાણ ઓછું હોય છે. આવી જમીનમાં ડાંગર, મગફળી અને કપાસનું વાવેતર થાય છે. વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જીલ્લામાં ઘેરા કાળા રંગની જમીન છે. કપાસની ખેતી માટે આ જમીન ઉતમ છે. ગુજરાતનો ‘કાનમનો કપાસ પ્રદેશ’ આ પ્રકારની જમીન ધરાવે છે.

રેતાળ જમીન (Sandy Soils)

૨૫ સેલ્સીયસ કરતા ઓછા વરસાદવાળા વિસ્તારમાં આ જમીન આવેલી છે. બનાસકાંઠા જીલ્લાના વાયવ્ય ભાગમાં, પાટણ અને મહેસાણા જીલ્લાના ઉતર અને પશ્વિમ ભાગમાં, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જીલ્લાના દક્ષીણ-પશ્વિમ ભાગમાં તથા કચ્છ જીલ્લામાં આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન ખેતી માટે બિનઉપયોગી છે, પરંતુ જો સિંચાઈ ની સગવડ થાય તો ખેતી થઇ શકે છે.

સ્થાનિક જમીન (Local Land)

ખવાણ અને ધોવાણ ની ક્રિયાઓને કારણે ‘પડખાઉ જમીન’ ની રચના થાય છે. આ પ્રકારની જમીન સૌરાષ્ટ્ર ના બરડાના ડુંગરાળ વિસ્તારમાં જોવા મળે છે. ભુપૃષ્ટ, બંધારણ અને રંગને આધારે સ્થાનિક પ્રદેશમાં આ જમીન ‘છેડની જમીન’, ‘ધારની જમીન’, ‘ક્યારીની જમીન’ વગેરે નામે ઓળખાય છે. સૌરાષ્ટ્રના નીચા ભૂમિ વિસ્તારોમાં તથા જુનાગઢ જીલ્લાના દક્ષીણ ભાગમાં ‘છેડની જમીન’ આવેલી છે. આ જમીનમાં ડાંગર અને ફળફળાદીની ખેતી થાય છે. ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ અને જુનાગઢ જીલ્લાના કેટલાક વિસ્તારમાં ‘ધારની જમીન’ આવેલી છે. આ જમીનમાં મગફળી પુષ્કળ થાય છે. ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જીલ્લામાં ‘ક્યારીની જમીન’ આવેલી છે. આ જમીનમાં ડાંગરની ખેતી થાય છે.

ખાર જમીન (Saline Soil)

દરિયાકિનારાની જમીન ભરતીના પાણીના ભરાવાને કારણે બગડે છે. ખાર જમીન બનવામાં સુકી આબોહવા પણ મહત્વનો ભાગ ભજવે છે. અમદાવાદ, મહેસાણા, આણંદ, ગાંધીનગર, ખેડા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા વગેરે જિલ્લાઓમાં તથા ભાલકાંઠા અને નળકાંઠાના પ્રદેશમાં તથા સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર અને કચ્છ જીલ્લામાં ‘ખાર જમીન’ આવેલી છે. ગુજરાત સરકાર દ્વારા ખાર જમીન નવસાધ્ય કરી ખેતી હેઠળ લાવવાના પ્રયાસો થાય છે. સ્ત્રોત : ગુજરાતી પાઠશાળા

Related Blogs