Khetidekho

ફળ ફાટવાના કારણો અને ઉપાય

 

 

ફળ પાકોમાં વીણી પહેલા કાચા અથવા પરીપકવ, ફળોનું ફાટી જવું તે સામાન્‍ય અને બાગાયતદારો ને મુંજવતો પ્રશ્ન છે. આ એક ફળઝાડની દેહધાર્મિક વિકૃતિ છે. જે ઉત્પાદનની ગુણવત્તા ઉપર માઠી અસર કરે છે. જેથી ફળોની આર્થિક ક્ષમતા ઘટે છે.

 

સંગ્રહશક્તિ પણ ઘટે છે ફાટેલા ફળો ઉપર કુગથી થતા રોગ જલ્દી લાગે છે. જેમાં ખાસ કરી એસ્પેરજીલસ અને પેનીસીલીયમ ફંગસ વધારે લાગે છે જે સડો પેદા કરે છે. ઘણી વખત લીંબુ, લીચી, અંજીર, દાડમ, કેરી વિગેરે મા ૫૦ થી ૭૫ ટકા ફળો ફાટી જાય છે. જેમાં ખાસ કરી ફળોની છાલ ફાટે છે અને ઘણી વખત અંદર ફળના માવા સુધી પહોંચે છે. દા.ત. દાડમમાં ફળ ફાટી અને બે ફાડીયા દેખાય છે. ફળોને ફાડવાને ફળનું ફેકચર પણ ગણવામાં આવે છે.

 

 

ફળો ફાટવાના પ્રકાર

છાલ ફાટવીઃ આ પ્રકારમાં ફળ ફકત છાલની સપાટીજ ફાટે છે દા.ત. લીંબુ, 

 

તારા આકાર: આ પ્રકારના ફળ ફાટવામાં તારા આકારે ફળની છાલ ઉપર તિરાડો પડે છે. દા.ત. દાડમ

 

માવાનું ફાટવું : આ પ્રકારના ફળના માવા સુધી ફળ ફાટી જાય છે. દા.ત. કેરી, લીબુ, દાડમ

ફળો શા માટે ફાટે છે?

જમીન અને હવામાનના ભેજના પ્રમાણમાં એકા એક વધ-ઘટ થાય તો ફળો ફાટે છે. બીજુ કારણ કેલ્શિયમ, પોટેશિયમ, ઝીંક,કોપર,મેંગેનીઝ અને મોલીબ્ડેનમ જેવા પોષક તત્વો ફળોની વૃદ્ધિ અને વિકાસની શારીરિક પ્રક્રિયાઓમાં જરૂરી છે અને વૃદ્ધિના સમયગાળા દરમિયાન આ પોષક તત્વોની ઉણપથી ફળ ફાટી જાય છે.

 

ભેજમાં એકદમ વધારો થાય ત્યારે ફળના તમામ કોષો વિકાસ પામે છે, પરંતુ જયારે ભેજ એકદમ ધટે ત્યારે વિકાસ અટકી જાય અને છાલના કોષો સંકોચાય એટલે ફળોની છાલ ફાટે છે. વધારે તંગી પડે તો આ ફાટ ફળના માવા સુધી પહોંચે. આ પ્રકિચાથી ઉલ્ટુ પ્રથમ ભેજની તંગી પડે ત્યાર બહારની છાલ સખ્ત થાય અને ફરી જયારે પાણી/ભેજ મળે એટલે ફળની અંદરના કોષોની સંખ્યા અને કદમાં વધે દરમ્યાન છાલ પાણી/ભેજની તંગીના કારણે સખ્ત થઈ જતા અને અંદરથી દબાણ વધતા છાલને ફાડી નાખે છે. ઘણી વખત ઉનાળાની સખ્ત ગરમી પછી એકા એક વરસાદ થતા ફળોનું ફાટવું અને ખરવું સામાન્‍ય બાબત બની જાય છે.

 

વાયરસ તથા ફંગસના હુમલાથી પણ ફળો ફાટે છે.આ ઉપરાંત વાતાવરણના પરિબળો જેવા કે જમીનનો ભેજ, ઉષ્ણતામાન, સાપેક્ષભેજ, સૂર્યપ્રકાશ, ફળ ઉપર પડવો વગેરે. જે આપણે દાડમ, કેરી, લીંબુમાં જોઈ શકીએ છીએ. સુર્યપ્રકાશ સીધો ફળો ઉપર પડે તો ફળો ફાટે છે. વાતાવરણમાં એકદમ ગરમી વધે તો પણ ફળો ફાટે છે. આ સિવાય અંતઃસ્રાવો ખાસ કરી જીબરાલીક એસિડનું ઓછું પ્રમાણ પણ ફળ ફાટવા માટે જવાબદાર ગણાય.

ફળો ફાટી જતા અટકાવવાના ઉપાયો

ફળઝાડની પિયતની કાર્યક્ષમ પદ્ધતિ અપનાવવી એટલે પાકની જરૂરીયાત પ્રમાણે પુરતુને સમયસર પિયત મળતું રહે . જયારે ચોમાસાના વરસાદી પાણી લાંબો સમય વાડીમાં ભરાય ન રહે તેની કાળજી રાખવી. વિકસિત દેશોમાં  વધારે વરસાદ અથવા બરફ પડતો હોયતો પ્લાસ્ટીક કવર ચડાવી દેવામા આવે છે. અથવા ઝાડ ઉપર પડેલ વરસાદના ટીપા મશીનથી પવન ફૂકીને ઉડાડી દેવામાં આવે છે.


પોષકતતવોની ખામી નિવારવા મુખ્ય અને ગૌણતત્વો સમતોલ અને સમયસર આપવા. લીંબુમાં બોરેક્ષ ૦.૨ ટકા, કોપર સલ્ફેટ ૦.૩ ટકા તથા પોટેશ્યમ સલ્ફેટ ૨ ટકાનો છંટકાવ કરવો જયારે દાડમમાં બોરેક્ષ જુન માસમાં ૧ ટકા પ્રમાણે છંટકાવ કરવા. આ ઉપરાંત લીંબુમાં એનએએ ૨૦ પીપીએમ તેમજ જીએ૩ ૧૦ પીપીએમ જયારે દાડમ જીએ૩ ૧૨૦ પીપીએમના છંટકાવ કરવા ભલામણ થયેલ છે. 


આ ઉપરાંત ફળ પાકોની ખેતી વિષયક માવજતોની નિયમિતતા અને  વૈજ્ઞાનિક ઢબે અપનાવવામાં આવે તો ફળ ફાટતા અટકાવવાનો પ્રશ્ન મહદ અંશે હલ થઈ શકે.