આપણા દેશમાં સૂકા અને અર્ધસૂકા વિસ્તાર માટે આમળા એ ઘણો જ મહત્વનો બાગાયતી પાક છે. ગુજરાત રાજયમાં ખેતી હેઠળનો મોટો ભાગ સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં આવે છે. અને આપણા રાજયમાં આ પાક ઘણી જ સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. આમળા આમ જોઈએ તો ઘણાં વર્ષોથી આયુર્વેદમાં પોતાનું સ્થાન લઈ ચુકેલ છે. પરંતું તેને કોઈ મહત્વ મળતું ન હતું. પરંતું છેલ્લા થોડા વર્ષોથી લોકોનો અભિગમ બદલાયેલ છે અને તેઓ આમળાનું મહત્વ સમજતા થતાં તેની માંગ પણ વધવા પામેલ છે. જેથી સંશોધકો અને ખેડૂતો આ પાક તરફ આકર્ષાયા છે. અને તેમાં તેઓને પરેપુરી સફળતા પણ મળેલ છે.
આમળાને ગરમ અને સૂકું હવામાન માફક આવે છે. આમળા સામાન્ય રીતે સમશીતોષ્ણ કટીબંધનો પાક છે. પરંતું તે સમશીતોષ્ણ તેમજ ઉષ્ણકટીબંધ બન્ને વિસ્તારમાં ઉગાડી શકાય છે. ગુજરાતના હવામાનમાં આ પાક ઘણી જ સફળતાપૂર્વક ઉગાડી શકાય છે.
આમળા જુદા જુદા પ્રકારની ઘણી જમીનમાં ઉગાડી શકાય છે. પરંત્ ઉડી ફળદૃપ તથા ગોરાડું અને મધ્યમ કાળી જમીનમાં ઘણી જ સારી રીતે ઉગાડી શકાય છે. સાધારણ અમ્લીય તેમજ સાધારણ ખારાશવાળી જમીનમાં પણ ઉગાડી શકાય છે. વધારે ચૂનાયુક્ત જમીન આ પાક માટે અનુકુળ નથી.
આમળામાં ફળનું કદ, પાકવાનો સમય, ફળનો રંગ વિગેરેને આધારીત ઘણી બધી જાતો જોવા મળે છે. છેલ્લા થોડા વર્ષોથી તેમાં થયેલ સંશોધનની સફળતાને પરિણામે વધૂ ઉત્પાદન અને સારી ગૃણવત્તા ધરાવતી આમળાની કેટલીક સુધારેલ જાતો બહાર પાડવામાં આવેલ છે જે અંગેની માહિતી નીચે પ્રસ્તુત છે. જેથી આપણે પરિસ્થિતિને અનુરૂપ અને સ્થાનીય બજારની માંગને લક્ષમાં રાખી અને જાતની પસંદગી કરવી જોઈએ.
ક્રિષ્ના : ફળ ત્રિકોણીય અને નીચેના ભાગે ઉપસેલા શંકુ આકારના હોય છે. ફળની છાલ સુવાળી, સફેદ પડતા લીલા થી ભુખરા પીળા રંગની અને ખુલ્લા ભાગ પર લાલ ટપકાં હોય છે. એક ફળનું વજન અંદાજે ૩૧ ગ્રામ જેટલુ હોય છે. તેનો માવો ગૂલાબી લીલા રંગનો અને ઓછા રેષાયુક્ત હોય છે. ઠળિયો મોટો અને ત્રિકોણાકાર હોય છે. ફળમાં કુલ દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ અંદાજે ૧૨.૮ અને ૧૦૦ ગ્રામ માવાદીઠ વીટામીન-સી નું પ્રમાણ ૫૧૦ મીગ્રા હોય છે.વહેલી પાકતી જાત છે. (ફળ ઓક્ટોબર- નવેમ્બર માસમાં તૈયાર થાય છે).
નીલમ(એન. એ. -૭) : ફળ ચપટા અંડાકાર હોય છે. ફળની છાલ સુવાળી, અર્ધપારદર્શક અને પીળાશ પડતા લીલા રંગની હોય છે. એક ફળનું વજન અંદાજે ૩૪ ગ્રામ જેટલુ હોય છે. તેનો માવો પોચો અને રેષા વગરનો હોય છે. ઠળિયો મધ્યમ અને અંડાકાર હોય છે. ફળમાં કુલ દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ અંદાજે ૯.૯ અને ૧૦૦ ગ્રામ માવાદીઠ વિટામિન-સી નું પ્રમાણ ૫૦૧ મીગ્રા હોય છે.મધ્યમ મોડી પાકતી જાત છે. (ફળ નવેમ્બર- ડીસેમ્બર માસમાં તૈયાર થાય છે).
ગુજરાત આમળા-૧ : ફળ ગોળાકાર હોય છે. ફળની છાલ સુવાળી, અર્ધપારદર્શક અને આછા લીલા રંગની હોય છે. એક ફળનું વજન અંદાજે ૨૪ ગ્રામ જેટલુ હોય છે. તેનો માવો આછા લીલા રંગનો, પોચો અને રેષા વગરનો હોય છે. ઠળિયો ગોળાકાર હોય છે. ફળમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ અંદાજે ૧૩.૪ અને ૧૦૦ ગ્રામ માવાદીઠ વિટામિન-સી નું પ્રમાણ ૫૫૦ મીગ્રા હોય છે.મોડી પાકતી જાત છે. (ફળ ડીસેમ્બર માસના મધ્ય પછી તેયાર થાય છે).
સામાન્ય રીતે આમળાની રોપણી માટે ઉનાળામાં ૮ મી * ૮ મી અથવા ૬ મી * ૮ મી ના અંતરે ૬૦ * ૬૦ * ૬૦ સેમીના ખાડા તૈયાર કરીને તેને લગભગ ૧૫ દિવસ તપવા દેવા .
દેશી ખાતર અને માટી સરખે ભાગે લઈ તેમાં ૨૦૦ ગ્રામ ડી.એ.પી. અને ૨૦૦ ગ્રામ મ્યુરેટ પોટાસ નાખી ખાડા પુરી દેવા ચોમાસામાં જો કાયમી કલમો લાવી રોપવી હોય તો જુલાઈના અંત સુધીમાં લાવીને રોપી દેવી. રોપણી વખતે કોથળી દૂર કરવી અને માટીનો પીંડ તુટે નહિ તેની કાળજી રાખવી.
આમળાના બગીચામાં સામાન્ય રીતે શરૂઆતના ૩-૪ વર્ષ સુધી આંતરપાકો વાવી શકાય છે. આ આંતરપાકો વિસ્તારને અનુરૂપ પરંતુ આમળાના છોડના વિકાસને નુકશાન ન કરે તેવા પસંદ કરવા જોઈએ. દા.ત. વેલા વગરના શાકભાજી, કઠોળ વગેરે પાકો આંતરપાક તરીકે પસંદ કરવા જોઈએ.
Khetidekho is proudly powered by WordPress