મગનું વાવેતર ઉત્તર ગુજરાત,કચ્છ અને સૌરાષ્ટ્ર મા કરવામા આવે છે.
દક્ષિણ ગુજરાતમાં કાળા મગનું વાવેતર થાય છે. હવે સૌરાષ્ટ્રમાં પણ પોરબંદરનો ઘેડ વિસ્તાર અને માંગરોળ તાલુકામાં પણ કાળા મગનું વાવેતર વધતું જાય છે.
ખાવાની દ્રષ્ટિ એ કાળા મગને વધુ પૌષ્ટીક અને સારા ગણાય છે.
મગ ટુંકાગાળાનો પાક ૬૦ થી ૭૦ દિવસમાં પાકતો પાક છે અને ખેતી ખર્ચ ઓછો હોવાથી ઉનાળામાં પુરતા પ્રમાણમાં પિયત વ્યવસ્થા હોય ત્યાં આ પાક ટુંકા ગાળામાં ખુબ સારૂ વળતર આપે છે.
જમીનની પસંદગી અને તૈયારીઃ
ગોરાડું અને જે જમીનમાં સેન્દ્રીય તત્વ વધારે હોય તેવી જમીન મગનાં પાક માટે વધારે અનુકુળ આવે છે.
રેતાળ અને pH આંક વધારે હોય તે જમીનમાં ઉનાળુ મગનો પાક સારો થતો નથી .
ચોમાસે કે શીયાળુ પાકની કાપણી કરી લીધા બાદ જમીનમાં હેક્ટરે ૮ થી ૧૦ ટન સારૂં કોહવાયેલું છાણિયું ખાતર ભેળવીને ખેડ કરી રાપ મારી જમીન સમતલ કરી તૈયાર કરવી.
શીયાળાની ઠંડી ઓછી થાય અને તાપમાન વધે ત્યારે એટલે કે રપ ફેબ્રુઆરીથી રપ માર્ચ સુધીના સમયગાળા દરમ્યાન વાવેતર કરી શકાય છે.
મગ ટુંકા ગાળાનો પાક હોવાથી વાવણી કરવામાં ઉતાવળ કરવી નહીં.
વાવણી અંતર:
ઓરણીથી વાવેતર કરવાનું હોય તો બે ચાસ વચ્ચે ૩૦ સે.મી. એટલે કે એક ફૂટ અંતર અને બે છોડ વચ્ચે ૧૦ સે.મી અંતર રાખવું.
પરંતુ ઉનાળુ સીઝનમાં પુંખીને પણ વાવેતર કરી શકાય છે.
બીજ દર અને જાત:
વાવણીયા થી વાવેતર કરવા માટે એક વિધે : (૧૬ ગુંઠા) ૨.૫ થી ૩.૫ માં કિલોગ્રામ બીજ અને પુંખીને વાવવા માટે ૩.૫ થી ૪ કિલોગ્રામ્ બિયારણની જરૂરીયાત રહેશે. તે જમીનનાં પ્રકારને ધ્યાને રાખી બિયારણનાં દરમાં વધ ઘટ કરી શકાય છે.
સુધારેલી જાતોઃ
ઉનાળુ મગનાં વાવેતર માટે કે-૮૫૧, ગુજરાત મગ-૪, મેહા અને ગુજરાત આણંદ મગ-૫ ની ભલામણ કરેલ જાતો છે.
જેમાં ગુજરાત મગ-૪ અને ગુજરાત આણંદ મગ-૫ નો દાણો મોટો અને ૬૦ થી ૬૫ દિવસે પાકે છે જ્યારે કે-૮૫૧ અને મેહા જાતનો દાણો મધ્યમ અને ૬૫ થી ૭૦ દિવસે પાકે છે.
બીજ માવજત:
બીજ માવજત: ફુગજન્ય રોગોથી બચાવવા માટે બીજને વાવતા પહેલા ફૂગનાશક દવા થાયરમ અથવા કાર્બેનડેઝીમ્ (બાવીસ્ટીન) અથવા કાર્બોક્ઝીન + થાયરમ (વાયટાવેક્ષ) ૨ યી ૩ ગ્રામ પ્રતિ કિલોગ્રામ પ્રમાણે બીજને પટ આપીને વાવેતર કરવુ.
ખાતર વ્યવસ્થા:
મગનું સારુ ઉત્પાદન લેવા માટે એક વીઘે ૪ થી પ ગાડા છાણીયું ગળતીયુ ખાતર અથવા ૬ થી ૭ થેલી સેન્દ્રીય ખાતર આપવુ.
રાસાયણિક ખાતરમાં એક હેક્ટરે ૨૦ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૪૦ કિલોગ્રામ ફોસ્ફરસ આપવાની ભલામણ છે. જે માટે એક વીઘે ૪૦ કિગ્રા. એસ.એસ.પી. અને ૭ કિગ્રા. યુરીયા પાયામાં આપવુ અથવા ૧૪ કિગ્રા. ડી.એ.પી. અને ૧૬ કી ગ્રા. એમોનીયમ સલ્ફેટ પાયામાં આપવુ.
એસ.એસ.પી. અને એમોનીયમ સલ્ફેટ આપવાથી પાકને જરૂરી સલ્ફર મળી રહેશે જેથી ઉત્પાદન વધશે અને પ્રોટીનનું પ્રમાણ વધવાથી ગુણવત્તા માં સુધારો થશે.
પિયત વ્યવસ્થા:
પ્રથમ પિયત જમીનની પ્રત પ્રમાણે ખેંચવા દઈને આપવું. જો કોરામાં વાવેતર કરેલ હોય તો પ્રથમ પિયત વાવેતર કર્યા બાદ તરત જ અને ત્યારબાદ બીજું પિયત પાંચમાં દિવસે સારા ઉગાવા માટે આપવું.
તે પછી ૧૦ થી ૧૨ દિવસના અંતરે ૪ થી પ પિયત આપવા. તેમ છતા જમીન અને પાકની જરૂરીયાત મુજબ પિયત આપવા.
નિંદણ નીયંત્રણ અને આંતર ખેડઃ
મગ ટુંકા ગાળાનો પાક હોવાથી નિંદામણ મુક્ત રાખવાથી સારું ઉત્પાદન મળે છે. છોડની વૃદ્ધિ અને સારા વિકાસ માટે પ્રથમ ૩૦ દિવસ સુધી બિલકુલ નિંદામણ મુક્ત રાખવું જોઈએ.
ઓરણીથી વાવીને વાવેતર કરેલ હોય તો આંતરખેડ કરવી અને હાથથી નિંદામણ કરવુ.
જરૂર જણાય તો જ નિંદામણનાશક દવાઓ જેવી કે પેન્ડીમીથેલીન એક પંપમાં ૭૦ મીલી. નાખીને વાવેત્તર કર્યા પછી તુરત જ ર૪ કલાકની અંદર છટકાવ કરવો અથવા મગ ૧૫ દિવસનાં થાય ત્યાર પછી ક્વીઝાલોફોપ ઇથાઇલ (ટરગા સુપર) ૩૦ મીલી. એક પંપમાં ભેળવીને છંટકાવ કરવો.
જીવાત નિયંત્રણ:
મગમાં શરુઆતની અવસ્થા થી ફુલ અવસ્થા સુધી ચુસિયા પ્રકારની જીવાતો જેવી કે થ્રીપ્સ, મોલોમશી, સફેદ માખી, લીલા તડતડિયાનો ઉપદ્રવ જોવા મળે છે. જેના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાઓ જેવી કે ઈમીડાક્લોપ્રીડ અથવા થાયોમિથોક્ઝામ કે ફલોનીકામીડ જેવી દવાઓનો છટકાવ કરવો.
રોગ નીયંત્રણઃ
મગ પાકમાં પચરંગીયો રોગ જોવા મળે છે જે વિષાણુ થી થતો રોગ છે. જેનો ફેલાવો સફેદ માખી દ્વારા થતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવાનો છટકાવ કરવો.
આ ઉપરાંત ઘણીવાર ભૂકી છારાનો રોગ પણ જોવા મળે છે. જો આ રોગ જોવા મળે તો તેનાં નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ (કોન્ટાફ) નો છટકાવ કરવાથી નિયંત્રણ કરી શકાય છે.
કાપણી:
મગના પાક્માં છોડ પર મોટાભાગની શીંગો પાકીને અર્ધ સુકાયેલ જણાય ત્યારે સવારના સમયે પાક્ની કાપણી કરી પાથરા કરવા અને ખેતરમાં સુકાવા દેવા. ત્યારબાદ શ્રેશરથી દાણા છૂટા પાડી, ણા સાફ કરી ગ્રેડીંગ કરવુ.
Ref . ભાવેશ પીપળીયા સાહેબ ,નાયબ ખેતી નિયામક (વી.),અમરેલી.