“કૃત્રિમ બીજદાન” એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેમાં કૃત્રિમ રીતે સાંઢ નું વીર્ય એકત્ર કરી તેની પ્રયોગશાળા માં ચકાસણી કરી ગરમી માં આવેલ માદા ના જનનાંગો ના રસ્તે કમળમાં વૈજ્ઞાનિક સાધનો ની મદદ થી મુકવામાં આવે છે.
કૃત્રિમ બીજદાન શા માટે??
ઝડપી પશુ ઓલાદ સુધારણા માટે
ઓછા સમયમાં વધુ દૂધ ઉત્પાદન મેળવવા માટે
સિદ્ધ કરેલ ઉતમ સાંઢના વીર્યના બહોળા ઉપયોગ માટે
કૃત્રિમ બીજદાન ના ફાયદા
કુદરતી રીતે સાંઢ કે પાડો વર્ષે ૧૦૦ માદાને ફેરવી શકે છે જયારે કૃત્રિમ બીજદાન દ્વારા એક વર્ષમાં ૨૦૦૦ થી વધુ માદા ને ફેળવી શકાય છે. આમ સારી ઓલાદના સાંઢ કે પાડાનો ઉપયોગ થવાથી ઓલાદ સુધારણા ઝડપી થાય છે.
ઓછા સાંઢ કે પાડાની જરૂર પડતી હોવાથી સારામાં સારા નરની પસંદગી કરી શકાય છે.
કુદરતી રીતે ગાયો કે ભેંસો ફેળવાય ત્યારે રોગવાળા નર દ્વારા અનેક માદામાં રોગ ફેલાવી શકે છે. કુત્રિમ બીજદાન પદ્ધતિમાં રોગના ફેલાવવાની શક્યતા રહેતી નથી.
બીજદાન કરતી વખતે માદાના જનન અવયવોની તપાસ થતી હોય છે આથી કોઇ ખામી હોય તો તેની સારવાર થઇ શકે છે.
માદા ગરમીમાં/વેતરે આવે ત્યારે પશુપાલકે સાંઢ કે પાડા માટે રખડવું પડતું નથી. તાલીમ પામેલો બીજદાન કર્મચારી સમયસર સારી ઓલાદના નરનું બીજદાન કરી આપે છે.
બીજદાન કર્યાની નોંધ રહેતી હોવાથી ગર્ભ પરીક્ષણ અને વિયાણની ચોક્કસ તારીખ નક્કી કરી શકાય છે.
બીજ કેન્દ્રમાં રાખવામાં આવતા સારી ઓલાદના સાંઢ કે પાડાના બીજનો ઉપયોગ તેના મૃત્યુ પછી પણ કરી શકાય છે.
સારી ઓલાદના પશુઓનું બીજ કોઇપણ સ્થળે પહોંચાડી શકાય છે આથી નજીવા ખર્ચે સારું બીજ ગામડાઓમાં મળી શકે છે.
સંકર સંવર્ધનમાં સગવડતારહે છે.
પશુને ફેળવવામાં સરળતા રહે છે અને ગર્ભધારણ દર પણ વધારે મેળવી શકાય છે.
કૃત્રિમ બીજદાનમાં રાખવામાં આવતી સાવચેતીઓ
૧. સાંઢ/પાડાની પસંદગી
૨.યોગ્ય વીર્યગ્રહણ પદ્ધતિ
૩. કૃત્રિમ બીજદાન કરવાનો યોગ્ય સમય
૪. કૃત્રિમ બીજદાન કરવાની પ્રક્રિયા માં સ્વચ્છતા
૫.કૃત્રિમ બીજદાન કરવાના સાધનોની સફાઈ
કૃત્રિમ બીજદાન કરાવવાનો યોગ્ય સમય
ગરમીના લક્ષણો થવાના ૧૨ થી ૧૮ કલાક બાદ કૃત્રિમ બીજદાન કરવું જોઈએ તેથી પશુ સવારે ગરમીમાં આવેલ હોય તો સાંજે અને સાંજે ગરમીમાં આવેલ હોય તો સવારે કૃત્રિમ બીજદાન કરાવવું જોઈએ.