થોમ્સન નામના એક વિજ્ઞાનિક એ બીજની વ્યાખ્યા આપતા લખેલ છે કે, ગુણવત્તામાં પૃથ્થકરણીય શુધ્ધતા, જાતિય શુધ્ધતા, નિંદામણના બીજથી મુક્ત , ભેળસેળ વગરના, સારા ઉગાવાની અને વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતા, સમાન કદવાળા, ભેજ મુકત દાણા ને બીજ કહેવાય”
આમ જોઈએ તો દરેક બીજ આખરે તો દાણા જ કહેવાય પણ, દરેક દાણાને આપણે બીજ તરીકે ન ગણી શકીએ. વૈજ્ઞાનિક પધ્ધતિથી સુવ્યવસ્થિત રીતે હાથ ધરેલ બીજ ઉત્પાદન કાર્યક્રમ હેઠળ ગુણવત્તાના નકકી કરેલા ધારા ધોરણો મુજબ તૈયાર કરેલા દાણાને જ બીજ નો દરજજો મળે છે.
બીજના વિવિધ પ્રકારો :
સ્થાયી જાતો (સ્ટેબલ વેરાયટી) અને
સંકર જાતો (હાઈબ્રીડ) ના બિયારણ
સ્થાયી જાતો (સ્ટેબલ વેરાયટી)
૧. સ્થાયી જાતો (સ્ટેબલ વેરાયટી) નુ બીજ ઉત્પાદન :-
સ્વપરાગીત (સેલ્ફપોલીનેટેડ) અને પરપરાગીત (ક્રોસપોલીનેટેડ) એમ બન્ને પ્રકારના પાકોમાં સ્થાયી જાતો હોય છે. સ્થાયી જાતોના પાયાના બીજ (બેઝીક સીડ) નું ચોકકસ એકલન – અલગીકરણ(આઈસોલેશન) અંતર રાખી સ્વપરાગનયન થી બીજ ઉત્પાદિત કરવામાં આવે છે .
તેથી તેમા અન્ય જાતોથી પરપરાગીત (ક્રોસપોલીનેટેડ) થઈ જનિનીક અશુધ્ધતા આવતી નથી. આવું બીજ જનિનીક રીતે શુધ્ધ રાખવામાં આવે તો તેનો ઉપયોગ ચાર-પાચ વર્ષ સુધી કરી શકાય છે.
તમે જયારે કોઈ બીયારણની દુકાને બિયારણ લેવા જાવ ત્યારે બ્રીડર સીડ , ફાઉન્ડેશન સીડ, સર્ટીફાઈડ સીડ, ટ્રુથફૂલ સીડ જેવા શબ્દો સાંભળવા મળતા હશે. આ પ્રકારના બીજ વિષે સમજણ મેળવી લઈએ .
અ. ન્યુકલીઅસ કક્ષાનું બીજ :
કોઈપણ જાત જે સંશોધન કેન્દ્ર ઉપર તૈયાર કરવામાં આવે ત્યારે બ્રીડર ની સીધી દેખરેખ નીચે તૈયાર થતું બીજ જે એક એક છોડ ની ચકાસણી કરીને તૈયાર કરવામાં આવે છે. તેનો જથ્થો બહુ જ ઓછો હોય છે પણ
તેની જનિનીક શુધ્ધતા ૧૦૦% હોય છે.
તેને પ્રમાણીત કરવાની જરૂરત નથી. આ બિયારણ તૈયાર કરવા માટે જેતે જાતના મૂળ બીજ માંથી પસંદ કરેલ વ્યકિતગત છોડનું અલગ અલગ હારમાં વાવેતર કરવામાં આવે છે.
પછી દરેક હાર માં બ્રીડર ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કરવામાં આવે છે. ત્યારબાદ જે જાતના ચોકકસ ગુણધર્મો ધરાવતો છોડ પસંદ કરી તેનું બીજ મિશ્રણ કરી ન્યુકલીઅસ બીજ તૈયાર કરવામાં આવે છે.
બ. બ્રીડર કક્ષાનું બીજ :
આ બિયારણ ન્યુકલીઅસ કક્ષાના બીજમાંથી બ્રીડરની સીધી દેખરેખ નીચે સંશોધન કેન્દ્ર ઉપર તૈયાર કરવામાં આવે છે.
બ્રીડર એટલે કે જાત તૈયાર કરનાર વૈજ્ઞાનિક પોતાની જાત દેખરેખ નીચે જેતે પાકની જાતની નકકી કરેલી ખાસીયતોના આધારે ઉભા પાકની ચકાસણી કરે છે.
આ ચકાસણી દરમ્યાન નકકી કરેલી ખાસીયતો સિવાયના તમામ છોડ ઉખાડી (રોગીગ કરી) દુર કરવામાં આવે છે.
આ બીજની જનિનિક શુદ્ધતા ૧૦૦% હોય છે . તેને બીજ પ્રમાણન એજન્સી પાસે પ્રમાણિત કરવું પડતુ નથી.
આ કક્ષાનું બીજ જાહેર તેમજ ખાનગી એમ બન્ને પ્રકારના રજીસ્ટર્ડ બીજ ઉત્પાદકોને સરકાર તરફથી તેમની માંગણી મુજબ ફાળવવામાં આવે છે , જેમાથી “ફાઉન્ડેશન” પ્રકારનું બીજ તૈયાર કરવામાં આવે છે.
ક. ફાઉન્ડેશન કક્ષાનું બીજ :
આ બિયારણ બ્રિડર કક્ષાના બીજ માંથી રજીસ્ટર્ડ બીજ ઉત્પાદકોના ખેતર પર બીજ પ્રમાણન એજન્સીના ટેકનીકલ સ્ટાફની સીધી દેખરેખ નીચે તૈયાર કરવામાં આવે છે.
જેની જનિનિક શુધ્ધતા જૂદા જૂદા પાકો માટે જુદી જુદી હોય છે. આ બીજની બે કક્ષા ની છે.
બ્રીડર સીડ માથી તૈયાર થતુ બીજ ફાઉન્ડેશન કક્ષા-૧ અને ફાઉડેશન કક્ષા-૧ માંથી તૈયાર થતુ બીજ તે ફાઉન્ડેશન કક્ષા-૨ કહેવાય છે.
ફાઉડેશન કક્ષાના બીજ, બીજ પ્રમાણન એજન્સી પાસે પ્રમાણિત કરાવવું પડે છે.
ડ. સર્ટીફાઈડ કક્ષાનું બીજ :-
આ બિયારણ સામાન્ય રીતે ફાઉન્ડેશન કક્ષાના બીજમાંથી રજીસ્ટર્ડ બીજ ઉત્પાદકોના ખેતર પર બીજ પ્રમાણન એજન્સીના ટેકનીકલ સ્ટાફ ની સીઘી દેખરેખ નીચે તૈયાર કરવામાં આવે છે. કયારેક સંજોગોવસાત આ કક્ષાનું બીજ બ્રીડર કક્ષામાંથી પણ તૈયાર કરવામાં આવે છે.
આ કક્ષાના બીજમાંથી આગળ ઉપરની કોઈ કક્ષાનું બીજ ઉત્પાદન કરવામાં આવતું નથી.
આ બીજની જનિનિક શુધ્ધતા જૂદા જૂદા પાક માટે જૂદી જુદી હોય છે.
આ બિયારણનો ઉપયોગ ખેડૂતો વ્યાપારિક પાક ઉત્પાદન માટે કરે છે.
બજારમાં આજકાલ સર્ટીફઈડ કક્ષાના બીજની ખુબજ સારી માંગ છે. અને તે સતત વધતી જાય છે.
ફ.ટ્રુથફૂલ બીજ :-
ટ્રુથફૂલ એટલે કે વિશ્વાસપાત્ર. જે બિયારણ નોંઘણી કરાવીને બીજ પ્રમાણન એજન્સી પાસે પ્રમાણિત કરાવેલું હોતું નથી, પરંતુ ભૌતિક શુદ્ધત્તા આનુવંશિક શુધ્ધતા ના નિયમોનુસાર હોય છે.
આ બિયારણ અધિકૃતવિક્રેતા પાસેથી ખરીદવું હિતાવહ છે.
જ.રીવેલીડેટેડ બીજ :-
પ્રમાણિત બિયારણની માન્યતા નવ માસ સુધીની હોય છે.
નવ માસ બાદ આ બિયારણની ગૂણવતતા ફરીથી તપાસવામાં આવે છે. અને પુનઃ પ્રમાણિત (રી-વેવીડેશન) કરવામાં આવે છે.
પુનઃ પ્રમાણિત કર્યા વગરનુ બિયારણ વેચી શકાતુ નથી કે વાવેતરના ઉપયોગ મા લેવું હીતાવહ નથી.
પુનઃ પ્રમાણિત કર્યા બાદ છ માસ સુવી વાવવા માટે કે વેચવા માટે યોગ્ય ગણાય છે.
હાઈબ્રીડ જાતોના બીજ ઉત્પાદન :-
જે પાકોમાં કુદરતી અથવા કૃત્રિમ રીતે મોટા પાથા પર પરપરાગનયનની ક્રિયા (ક્રોસપોલીનેશન) કરી શકાય તેવા પાકોમાં મોટા પાયા પર હાઈબ્રીડ બીજ ઉત્પાદન કરી શકાય છે.
હાઈબ્રીડ બીજ ઉત્પાદનમાં સામાન્ય રીતે નરવંધ્યમાદા જાત (મેલસ્ટરાઈલ લાઈન) પર નરફલીત જાત (મેલફર્ટાઈલ લાઈન) થી પરપરાગનયન દ્વારા પ્રથમ પેઢીનુ જે બીજ ઉત્પાદન થાય છે તેને સંકર (હાઈબ્રીડ) બિયારણ કહેવામાં આવે છે.
આ હાઈબ્રીડ બીજનો ફકત એકજ વાર વાવેતર માટે ઉપયોગ કરી શકાય છે.
બીજીવાર વાવેતર કરવા માટે નવુ બીયારણ તૈયાર કરવું પડે છે.
પ્રમાણિત કક્ષા હાઈબ્રીડ બિયારણનું ઉત્પાદન કરવા માટે વિવિધ પ્રકારની નરંવધ્ય માદા જાતો (મેલસ્ટરાઈલ લાઈન્સ) નો ઉપયોગ કરવામાં આવે છે.જેમાં બાજરા, મકાઈ,જુવાર, સૂર્યમુખી જેવા પાકોમાં સાયટોપ્લાઝમીક મેલસ્ટરાઈલ માદા લાઈન નો મોટા પાયા પર હાઈબ્રીડ બિયારણ ઉત્પાદન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
આ ઉપરાંત દિવેલાના પાકમાં પીસ્ટીલેટ લાઈન (સો ટકા માદા લાઈન) અને કપાસના પાકમાં મીકેનીકલ પધ્ધતિથી નર (એન્થર) ને દર કરી માદાને નર વિહોણી બનાવી હાઈબ્રીડ બિયારણ તૈયાર કરવામાં આવે છે.
વિશેષમાં ડાંગર અને રાઈના પાકોમાં પણ મેલસ્ટરાઈલ લાઈન મળેલ છે. જેના દ્વારા મોટા પાયા પર હાઈબ્રીડ બીજ ઉત્પાદન કરવામાં આવે છે.